
રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે યોજાનારી TAT-HS મુખ્ય પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રિલિમમાં ૭૦ થી વધુ ગુણ મેળવનારા ૫૧૯૭૧ ઉમેદવારો માટે ૨૭૮ કેન્દ્રો પર પારદર્શી અને કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદમાં ૧૧૮૬૫ ઉમેદવારો માટે ૬૭ કેન્દ્રો ફાળવાયા છે. DEO કચેરીએ સીસીટીવી કંટ્રોલ રૂમ અને વિશેષ ટીમોની વ્યવસ્થા કરી છે. વરસાદને કારણે બે વખત મુલતવી રહેલી પરીક્ષા હવે બે સત્રમાં યોજાશે. પ્રથમ સત્ર સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૩૦ અને બીજું સત્ર બપોરે ૦૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ૧.૪૭ લાખથી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી કટ-ઓફ પાર કરનારા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં સામેલ થશે. પરીક્ષા દ્વારા વિજ્ઞાન, ભાષા, વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર અને શારીરિક શિક્ષણ સહિત કુલ ૨૧ વિષયોના શિક્ષકોની પસંદગી કરવામાં આવશે.
-AANDHINEWS




