Read Time:1 Minute, 17 Second


ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનું અનોખું દૃશ્ય સર્જાયું, જ્યારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આશરે ૮ કિલો સોનાથી તૈયાર કરાયેલા અને સાચા હીરા જડિત સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા. આ દિવ્ય શણગારના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. સુવર્ણ વાઘાના તેજસ્વી શણગારથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. વિશેષ પૂજન, મહાઆરતી અને ધાર્મિક વિધિઓ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનના અલૌકિક શણગારના દર્શન કરવા માટે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી.મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના આ પાવન દિવસે કષ્ટભંજનદેવના સુવર્ણ શણગારે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.




