
અમદાવાદના એસ.પી. રિંગ રોડ નજીક આવેલા કણભા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વહેલાલ ગામની સીમમાં આવેલા એટલાન્ટીક ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે, પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગોડાઉન પર નજર રાખ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ ૬,૪૨૦ બોટલો મળી આવી હતી.

બુટલેગરોએ ચોમાસાની સીઝનમાં માલની અછતનો લાભ લેવા માટે ગોડાઉનમાં કોઈને શંકા ન જાય તે રીતે ગેરકાયદેસર જથ્થો સંતાડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, પોલીસે અંદાજે ₹૧૩.૯૬ લાખની કિંમતનો દારૂ-બિયર તેમજ હેરફેર માટે ઉપયોગમાં લેવાતી લોડિંગ રિક્ષા સહિત કુલ ₹૧૪.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કાર્યવાહી દરમિયાન દારૂના ધંધા સાથે સંકળાયેલા બે બુટલેગરો ફરાર થઈ ગયા હતા. કણભા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.




