
અમદાવાદ શહેરમાં વરસાદી સીઝન દરમિયાન રોડ ધોવાઈ જવા અને ભુવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે શહેરના અત્યંત વ્યસ્ત અને વીઆઈપી ગણાતા એરપોર્ટ-હાંસોલ રોડ પર અચાનક અંદાજે ૨૦ ફૂટ જેટલો ઊંડો મસમોટો ભુવો પડતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, જ્યાં ભુવો પડ્યો છે તે સ્થળે થોડા સમય પહેલાં ડ્રેનેજ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ ખોદાયેલા ભાગનું યોગ્ય રીતે બેકફિલિંગ (માટીનું પૂરાણ અને દબાણ) કરવામાં આવ્યું ન હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સતત વરસાદને કારણે જમીન ધસી પડતાં આખો રસ્તો તૂટી ગયો હોવાનું માનવામાં આવે છે. સદનસીબે, ભુવો પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, જો આ સમયે કોઈ ભારે વાહન અથવા બસ ત્યાંથી પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે રસ્તાનો અસરગ્રસ્ત ભાગ બેરિકેડથી બંધ કરી વાહનવ્યવહારને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહિશોનું કહેવું છે કે, રોડના કામમાં બેદરકારી અને ગુણવત્તાના અભાવને કારણે દર વર્ષે વરસાદી સીઝનમાં આવી ઘટનાઓ બનતી રહે છે. તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની તેમજ શહેરના અન્ય રસ્તાઓનું પણ તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એક વખત શહેરમાં રોડ નિર્માણની ગુણવત્તા અને કામગીરીની દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે તંત્ર આ ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
-AANDHINEWS




