
અસમમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જઈ રહી છે. અસમ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (ASDMA)ના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૬.૫૪ લાખથી વધુ લોકો પૂરની અસર હેઠળ આવ્યા છે.
ASDMAના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન પૂરને કારણે વધુ ૪ લોકોના મોત થયા છે. તેમાં શિવસાગર જિલ્લાના ૩ લોકો અને ચરાઈદેવ જિલ્લાના ૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા ૬૬ પર પહોંચી ગઈ છે.
પૂરના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે રસ્તાઓ અને પુલોને નુકસાન થતાં જનજીવન પર વ્યાપક અસર પડી છે. હજારો લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને વિવિધ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.
રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન તેમજ NDRF, SDRF અને અન્ય બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં સતત વ્યસ્ત છે. અસરગ્રસ્ત લોકોને ખોરાક, પીવાનું પાણી, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
– AANDHI NEWS




