૫ શ્રમિકોનાં મોત અને ૬ ની હાલત ગંભીર..

ગુજરાતના ભરુચ જિલ્લાના વાગરા GIDC વિસ્તારમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ૧૫ હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કરુણ ઘટનામાં પાંચ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આશરે ૧૫ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. ધડાકાને કારણે કંપનીની મશીનરી અને શેડને ભારે નુકસાન થયું હતું, જ્યારે ગેસ ગળતરની આશંકાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોમાં જયદીપ પટેલ (ઉંમર ૨૭ વર્ષ), અનિકેત કુમાર (ઉંમર ૨૪ વર્ષ), અર્જુન રામ સિંહ (ઉંમર ૨૦ વર્ષ) અને વૃંદ તાલવિયાનો સમાવેશ થાય છે, જ્યારે પાંચમા મૃતકની ઓળખ હજી બાકી હોવાનું જણાવાયું છે. ઘાયલ શ્રમિકોને સારવાર માટે ભરુચની એપીએક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહોને ભરુચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં ધોરણો, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન લેવાતી સાવચેતી અને શ્રમિકોની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસની વિગતોની રાહ જોવાઈ રહી છે.
– AANDHINEWS




