
નીટ (NEET) પેપર લીક મામલા બાદ દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકાણીની આગેવાની હેઠળ એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જે પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાઓ માટે ભલામણો કરશે.

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે પેપર લીક જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે અને આવા આરોપીઓ જેલમાં છે. સાથે જ આવા કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, પરીક્ષા સંબંધિત ગુનાઓ સામે વધુ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંસદમાં નવા કાયદાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશની પરીક્ષા પદ્ધતિને વધુ આધુનિક, ટેક્નોલોજી આધારિત, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓને રોકી શકાય અને લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ મજબૂત બને.




