
ગુજરાતમાં નકલી અને ગેરકાયદે દવાઓના નેટવર્ક સામે FDCA અને પોલીસ દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓગસ્ટ-2026 દરમિયાન ગંભીર ક્ષતિઓ બદલ 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, 8ના પરવાના સ્થગિત અને 11 દવાઓના બનાવટના પરવાના રદ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટિબાયોટિક્સની ગુણવત્તા ચકાસવા માટેની વિશેષ ડ્રાઇવમાં 588 નમૂના લેવામાં આવ્યા હતા. બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કેસમાં 30થી વધુ સ્થળોએ તપાસ કરી રૂ.૧.૭૫ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરાયો છે. તપાસમાં લખનઉથી અમદાવાદ અને સાણંદ સુધીની સપ્લાય ચેઇન સામે આવી છે. વડોદરાના વાઘોડિયામાં SOG સાથેની કાર્યવાહી દરમિયાન ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદના ત્રાગડની ‘આનકી હર્બલ’માંથી રૂ.૨.૬૮ લાખથી વધુના ગેરકાયદે કોસ્મેટિક્સ અને કપડવંજ-ધોળીકૂઈના બાવીશી દવાખાનામાંથી બાળકો માટેની ગેરકાયદે દવાના ઉત્પાદનનો પર્દાફાશ કરી રૂ.૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૪૨ બ્લડ સ્ટોરેજ સેન્ટરોની તપાસ દરમિયાન ત્રણ ને ક્લોઝર ઓર્ડર અને બાર ને કારણદર્શક નોટિસ અપાઈ છે.
– AANDHINEWS




