
જંતર-મંતર પર થયેલા વિવિધ આંદોલનો અને NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા બાદ હવે સોશિયલ મીડિયા પર એક નવી પહેલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ‘E20 જનતા પાર્ટી’ નામથી ચાલી રહેલું આ અભિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લાંબી પોસ્ટ મુજબ, E20 જનતા પાર્ટી પોતાને કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું ગ્રાહક અધિકાર (કન્ઝ્યુમર રાઈટ્સ) અભિયાન ગણાવે છે. અભિયાન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને બદલે ગ્રાહકોને 100 ટકા શુદ્ધ (ઇથેનોલ-ફ્રી) પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવો જોઈએ.

અભિયાનની મુખ્ય માંગ છે કે, દેશભરના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઇથેનોલ-ફ્રી પેટ્રોલનો વિકલ્પ આપવામાં આવે, જેથી તેઓ પોતાની જરૂરિયાત અને પસંદગી મુજબ ઇંધણ પસંદ કરી શકે, સોશિયલ મીડિયા પર હજારો લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ અભિયાનને લઈને સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત અથવા પ્રતિસાદ જાહેર થયો નથી. વિશેષજ્ઞોના મતે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે વિવિધ પ્રકારના મતભેદો જોવા મળે છે. સરકાર ઇથેનોલ મિશ્રણને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા, ખેડૂતોને લાભ પહોંચાડવા અને પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસ તરીકે રજૂ કરે છે, જ્યારે કેટલાક વાહનચાલકો અને ગ્રાહકો ઇથેનોલ-ફ્રી પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે, આગામી દિવસોમાં આ સોશિયલ મીડિયા અભિયાનને કેટલો જનસમર્થન મળે છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
– AANDHINEWS




