કાશીના ગંગા ઘાટ દીવાઓની રોશનીથી ઝળહળશે..

દેશભરમાં દેવ દિવાળીનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ તહેવાર દેવ દિવાળી અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને અધર્મ પર ધર્મનો વિજય સ્થાપ્યો હતો. મહાદેવના આ વિજયની ખુશીમાં તમામ દેવી-દેવતાઓએ કાશીમાં દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી દેવ દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. દેવ દિવાળીનો સૌથી ભવ્ય અને મનમોહક નજારો ઉત્તર પ્રદેશના વારાણસીમાં જોવા મળે છે. અહીં ગંગા નદીના વિવિધ ઘાટને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે, જેના કારણે સાંજના સમયે સમગ્ર ઘાટ દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠે છે. આ અદભુત નજારો નિહાળવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કાશી પહોંચે છે. આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ ગંગા નદી, તળાવ અને અન્ય પવિત્ર જળાશયોના કિનારે દીપદાન કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.ધાર્મિક માન્યતા અનુસાર, દેવ દિવાળીની સાંજે તુલસીના છોડ પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરના મંદિર, મુખ્ય દરવાજા, રસોડા અને પાણી રાખવાની જગ્યા પાસે પણ દીવા પ્રગટાવવા જોઈએ. નજીકમાં આવેલા શિવમંદિરમાં દીપ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. માન્યતા પ્રમાણે આ દિવસે ઘરમાં ૫, ૭, ૧૧, ૫૧ અથવા ૧૦૧ માટીના દીવા પ્રગટાવવા શુભ ગણાય છે. દીપદાન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે તેવી ધાર્મિક આસ્થા છે.
– AANDHINEWS




