F-1 અને J-1 વિઝાના વિવાદાસ્પદ નિયમને ફેડરલ કોર્ટે કર્યો રદ..

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હજારો ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ફેડરલ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ (Duration of Status) નિયમને રદબાતલ ઠેરવ્યો છે. ૧૬ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ આવેલા આ ચુકાદાથી F-1 અને J-1 વિઝા પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. અગાઉની વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકામાં કાયદેસર રહી શકતા હતા, પરંતુ નવા પ્રસ્તાવિત નિયમ હેઠળ તેમને નિશ્ચિત સમયમર્યાદા માટે જ રહેવાની મંજૂરી મળવાની હતી. આ નિયમ અમલમાં આવ્યો હોત તો અભ્યાસ કે રિસર્ચમાં વિલંબ થવા પર વિદ્યાર્થીઓએ વારંવાર USCIS સમક્ષ વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડત, જેના કારણે સમય અને નાણાંનો વધારાનો બોજ ઊભો થવાની આશંકા હતી.
કોર્ટના નિર્ણયથી ખાસ કરીને માસ્ટર્સ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે જૂની Duration of Status વ્યવસ્થા યથાવત્ રહેવાની શક્યતા છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરવામાં વધુ સુગમતા મળશે અને વિઝા એક્સટેન્શનની વધારાની પ્રક્રિયાથી બચી શકાશે. જોકે, નિષ્ણાતોના મતે અભ્યાસ દરમિયાન રાહત મળી હોવા છતાં ગ્રેજ્યુએશન બાદ અમેરિકામાં નોકરી મેળવવા, H-1B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા હજુ પણ પડકારજનક બની શકે છે. તેથી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા અને હાલમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ વિઝા સંબંધિત નિયમો તથા ભવિષ્યના ઇમિગ્રેશન ફેરફારો અંગે સતત સતર્ક રહેવું જરૂરી છે.
– AANDHINEWS




