લેખિત નોટિસ આપવી ફરજિયાત – ગુજરાત હાઈકોર્ટ..

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પોલીસ તપાસના કામે કોઈ વ્યક્તિને હાજર થવા માટે માત્ર મૌખિક રીતે, ફોન કોલ કે અન્ય માધ્યમથી બોલાવી શકે નહીં. કાયદાકીય જોગવાઈ મુજબ તપાસ માટે હાજર થવા જણાવતી લેખિત નોટિસ આપવાની રહેશે. જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ એક કેસમાં અરજદારની અરજી મંજૂર રાખીને ઈસનપુર પોલીસને અરજદારને માત્ર લેખિત નોટિસ મારફતે જ હાજર થવા જણાવવાનો આદેશ આપ્યો હતો, પ્રસ્તુત કેસમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં શાલીમાર ટોકીઝ પાછળ આવેલા જય ભારત કબાડી માર્કેટમાં અરજદારની ઓટોમોબાઈલ્સની દુકાનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અરજદારનો આક્ષેપ હતો કે સામા પક્ષ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને ઈસનપુર પોલીસ તેમને મૌખિક રીતે તેમજ ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવી હેરાનગતિ કરે છે. અરજદારના જણાવ્યા મુજબ, તપાસના નામે આ રીતે હાજર થવા માટે દબાણ કરવું કાયદાની જોગવાઈ વિરુદ્ધ છે. તપાસ અધિકારીના અહેવાલમાં પણ બંને પક્ષો વચ્ચે પરસ્પર ફરિયાદો થયેલી હોવાનું સામે આવ્યું હતું.
અરજદારની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ઈસનપુર પોલીસને લેખિત નોટિસ મારફતે જ અરજદારને તપાસમાં હાજર થવા જણાવવાનો હુકમ કર્યો હતો અને મૌખિક કે ફોન મારફતે સમન્સ આપવા સામે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે સામા પક્ષ દ્વારા અરજદાર વિરુદ્ધ આશરે ૪૦ ફરિયાદો, જ્યારે અરજદાર દ્વારા સામા પક્ષ વિરુદ્ધ આશરે ૧૫ ફરિયાદો કરવામાં આવી છે. આ હુકમથી પોલીસ દ્વારા તપાસના નામે નાગરિકોને બોલાવવાની પ્રક્રિયામાં કાયદાકીય નોટિસના પાલનનું મહત્વ ફરી એકવાર ઉજાગર થયું છે.
– AANDHINEWS




