
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ – ૨૦૨૭-૨૮ ના બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૭ માં રજૂ થનારા બજેટમાં નાગરિકોના પ્રશ્નો અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવા માટે કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવેલા સૂચનોમાં શહેરીજનોએ પ્રાથમિક સુવિધાઓ સુધારવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. AMCને ૩૩ વિભાગોને લગતાં કુલ ૨૦૦૭ સૂચનો મળ્યાં છે, જેમાંથી સૌથી વધુ ૫૩૬ સૂચનો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા અંગે છે. જ્યારે લાઈટ વિભાગને લગતી ૧૫૯ રજૂઆતો મળી છે. કુલ સૂચનોમાંથી ૧૦૭૪ પ્રાથમિક અને ફરજિયાત સેવાઓ તથા ૯૩૩ મરજિયાત સેવાઓને લગતાં છે.
ઝોનવાર આંકડા પર નજર કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૭૧૩ સૂચનો મળ્યાં છે. ત્યારબાદ દક્ષિણ ઝોનમાંથી ૪૧૯, પૂર્વ ઝોનમાંથી ૨૮૩, મધ્ય ઝોનમાંથી ૭૨, ઉત્તર ઝોનમાંથી ૪૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૩૬ અને પશ્ચિમ ઝોનમાંથી ૨૦ સૂચનો મળ્યાં છે. ખાસ કરીને બોપલ, સરખેજ, શીલજ અને ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખતાં નાગરિકોએ પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની માગણી કરી હોવાનું આ રજૂઆતો પરથી સ્પષ્ટ થાય છે. હવે સંબંધિત વિભાગો દ્વારા તમામ સૂચનોનો અભ્યાસ કરીને યોગ્ય જણાતા મુદ્દાઓને બજેટમાં સ્થાન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જોકે, નાગરિકોના સૂચનોનો બજેટમાં કેટલો અમલ થાય છે તે સૌથી મોટો સવાલ છે. અગાઉના બજેટમાં નાગરિકો પાસેથી મળેલા સૂચનોમાંથી આશરે ૧૦ ટકા સૂચનોને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યાં હતાં, જ્યારે અન્ય રજૂઆતોનો નિકાલ નિયમિત ફરિયાદ પ્રક્રિયા અથવા સંબંધિત વિભાગોની કામગીરી મારફતે કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે મળેલા ૨૦૦૭ સૂચનોમાંથી કેટલાં સૂચનોને ખરેખર બજેટમાં સ્થાન મળશે અને રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ તથા વરસાદી પાણીના નિકાલ જેવા વર્ષોથી સતાવતા પ્રશ્નોના ઉકેલ માટે કેટલી નક્કર નાણાકીય જોગવાઈ કરવામાં આવશે તે જોવું મહત્ત્વનું બની રહેશે.
– AANDHINEWS




