અમૂલ દૂધ બાદ દહીં અને લસ્સી પણ મોંઘાં, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે..

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક મોટો આર્થિક ફટકો પડ્યો છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ, ૧ કિલોગ્રામ દહીંનો ભાવ રૂ.૮૦ થી વધારી રૂ.૮૫ કરવામાં આવ્યો છે, જ્યારે ૩૮૦ ગ્રામ દહીંની થેલી રૂ.૩૫ ના બદલે રૂ.૩૭ માં મળશે. તેવી જ રીતે, ૧ કિલોગ્રામ દહીંની બકેટનો ભાવ રૂ.૧૧૫ થી વધારી રૂ.૧૨૦ કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ રોઝ લસ્સીના ભાવમાં પણ રૂ.૨ નો વધારો કરી રૂ.૧૫ થી રૂ.૧૭ કરવામાં આવ્યો છે. દૈનિક વપરાશની ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થતાં સામાન્ય પરિવારો અને ગૃહિણીઓના ઘરખર્ચમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા ૧૨ નવેમ્બર ૨૦૨૬ થી અમૂલ દૂધના મુખ્ય વેરિયન્ટ્સના ભાવમાં પણ અંદાજે ૪ થી ૫ ટકાનો વધારો અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વેચાતા અમૂલ તાઝા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨ અને અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર રૂ.૪ નો વધારો કરવામાં આવ્યો છે. એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે દૂધ, દહીં અને લસ્સી જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ મોંઘી થતાં મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે ઘરનું બજેટ જાળવવું વધુ મુશ્કેલ બનશે.
– AANDHINEWS




