સેનાની ચોકી પર વિસ્ફોટક ભરેલી કાર અથડાવી..

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં બલૂચ વિદ્રોહીઓએ સેનાની સુરક્ષા ચોકીને નિશાન બનાવીને ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો. કનક વિસ્તારના કંદવાહ સુરક્ષા ચેકપોઇન્ટ પર વિસ્ફોટકોથી ભરેલી કાર અથડાવીને કરવામાં આવેલા શક્તિશાળી વિસ્ફોટમાં ૫ સુરક્ષાકર્મીઓ અને ૨ મહિલાઓ તથા ૧ બાળક સહિત કુલ ૮ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સુરક્ષા ચોકીની સાથે આસપાસનાં રહેણાંક મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલાની રીત વર્ષ ૨૦૧૯ માં ભારતના પુલવામામાં થયેલા આતંકી હુમલા જેવી હોવાનું સામે આવ્યું છે.
હુમલાખોરોનો ઇરાદો વિસ્ફોટ બાદ સુરક્ષા ઘેરો તોડીને મિલિટરી કેમ્પમાં ઘૂસવાનો હતો, જોકે સુરક્ષાદળોએ સમયસર મોરચો સંભાળીને તેમની કોશિશ નિષ્ફળ બનાવી હતી. જવાબી કાર્યવાહીમાં ૩ વિદ્રોહીઓ પણ માર્યા ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી તરફ, સુરક્ષાદળોએ સમગ્ર કનક સેક્ટરને ઘેરીને ફરાર શંકાસ્પદોની શોધખોળ માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– AANDHINEWS




