
ગુજરાતમાં દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન 108 ઈમરજન્સી સેવાઓને સામાન્ય દિવસોની સરખામણીએ ૧૩.૦૭ થી ૨૫.૬૭ ટકા સુધી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. ૮ નવેમ્બરે દિવાળી, ૧૦ નવેમ્બરે બેસતા વર્ષ અને ૧૧ નવેમ્બરે ભાઈબીજ એમ ત્રણ દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કુલ ૧૮,૫૧૩ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં રાજ્યમાં દૈનિક સરેરાશ ૫,૨૪૮ કેસ નોંધાતા હોય છે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને મુસાફરીમાં વધારો થતાં માર્ગ અકસ્માતો તથા મારામારીના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને ત્રણ દિવસમાં કુલ ૩,૭૮૫ માર્ગ અકસ્માતના કેસ નોંધાયા હતા, જેમાં ટુ-વ્હીલર અકસ્માતોનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું.
સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ ૬૪૬ માર્ગ અકસ્માત નોંધાય છે, તેની સામે દિવાળીના દિવસે ૧,૨૧૨ બેસતા વર્ષના દિવસે ૧,૫૪૧ અને ભાઈબીજના દિવસે ૧,૦૩૨ અકસ્માતો નોંધાયા હતા. એટલે કે બેસતા વર્ષના દિવસે માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 138.54 ટકાનો વધારો થયો હતો. શહેરોની વાત કરીએ તો બેસતા વર્ષના દિવસે વડોદરામાં ૨૫.૬૭ ટકા, રાજકોટમાં ૨૧.૭૧ ટકા અને અમદાવાદમાં ૧૩.૫૨ ટકા વધુ ઈમરજન્સી કોલ્સ નોંધાયા હતા. જ્યારે ભાઈબીજના દિવસે રાજકોટમાં ૧૪.૫૯ ટકા, વડોદરામાં ૯.૫૮ ટકા અને અમદાવાદમાં ૭.૮૯ ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, 108 ઈમરજન્સી સેવાની ટીમ દ્વારા અગાઉથી કરવામાં આવેલી તૈયારીઓ અને અસરકારક ફિલ્ડ કોઓર્ડિનેશનના કારણે તહેવારો દરમિયાન વધેલા ભારણ વચ્ચે પણ રાજ્યભરમાં ઈમરજન્સી સેવાઓ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.
– AANDHINEWS




