૨૦૨૭ થી એરલાઇન્સને ભાડાં નક્કી કરવાની છૂટ મળવાના દાવા..

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આપેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી, 2027થી એરલાઇન્સ કંપનીઓને હવાઈ ટિકિટનાં ભાડાં નક્કી કરવાની વધુ સ્વતંત્રતા મળશે. આ નિયમ અમલમાં આવતાં કંપનીઓ પોતાના સંચાલન ખર્ચ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાડાં નક્કી કરી શકશે. જોકે, અસાધારણ પરિસ્થિતિમાં જનહિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે. આ ફેરફારથી હવાઈ મુસાફરીના ભાડાંમાં વધઘટ થવાની શક્યતા છે. નવા નિયમો હેઠળ ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા સાથે પારદર્શિતા જાળવવાની જવાબદારી પણ એરલાઇન્સની રહેશે. કંપનીઓએ ભાડાં સંબંધિત વિગતો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) સમક્ષ રજૂ કરવાની અને પોતાની સત્તાવાર વેબસાઇટ પર ભાડાંનું માળખું જાહેર કરવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે. મુસાફરોને ટિકિટના બેઝ ફેર, ટેક્સ, અન્ય ફી, ટિકિટ રદ કરવાના ચાર્જ અને રિફંડની શરતો અંગે સ્પષ્ટ માહિતી આપવી પડશે, જેથી મુસાફરો ટિકિટ બુક કરાવતાં પહેલાં કુલ ખર્ચ સમજી શકે.
બીજી તરફ, વિમાન ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં વધારાને કારણે એરલાઇન્સ કંપનીઓના સંચાલન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં ઇંધણનો મોટો હિસ્સો હોવાથી તેની કિંમતમાં વધારો ટિકિટનાં ભાડાં પર અસર કરી શકે છે. જો કંપનીઓ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખશે, તો આગામી સમયમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી બનવાની શક્યતા છે. જોકે, નવા નિયમો અને તેની અમલવારી અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થયા બાદ જ ભાડાં પર થનારી વાસ્તવિક અસર સ્પષ્ટ થશે.
– AANDHINEWS




