વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને અર્પી ભાવસભર શ્રદ્ધાંજલિ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવસભર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં અંદાજે રૂ. ૪૦૦ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવાના નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા પરેડ’માં ઉપસ્થિત રહી સલામી ઝીલવાના હતા. એકતાનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસારિત કરવાની સાથે સરદાર પટેલના આદર્શોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શુક્રવાર, 30 ઓક્ટોબરે બનાસકાંઠામાં વિકાસકાર્યોના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી એકતાનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લઈ રોશનીની અદભૂત કૃતિઓ નિહાળી હતી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ નર્મદા ઘાટ ખાતે યોજાયેલી મહાઆરતીમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી દરમિયાન ‘નર્મદે હર… જીવનભર’ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ રીતે ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
-AANDHINEWS




