આજે ખેડૂતો-મહિલાઓ સાથે સંવાદ, આવતીકાલે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું લોકાર્પણ કર્યું હતું. 127 એકરમાં પથરાયેલું આ અદ્યતન કેન્દ્ર ગૌવંશ સંવર્ધન, આનુવંશિક સુધારણા અને આધુનિક પ્રજનન ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, વડાપ્રધાને ET-IVF લેબનું ઉદઘાટન કર્યું હતું અને વાછરડાંને દૂધ પીવડાવ્યું હતું. રોડ શૉ બાદ ભીલડી ખાતે યોજાયેલી સભામાં તેમણે ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો. બનાસકાંઠા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ₹14 હજાર કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ અંતર્ગત થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ તેમજ અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને ફેઝ-2Bના વિસ્તરણકાર્યોનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી આજે સાંજે એકતાનગર પહોંચશે અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા રજૂ થનારું ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક વિશેષ નાટ્યપ્રદર્શન મુખ્ય આકર્ષણ બનશે. આ પ્રદર્શનમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓના આશરે 2,000 કલાકારો ભાગ લેશે. વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાતમાં પશુપાલન, કૃષિ, પરિવહન અને માળખાગત સુવિધાઓને લગતા વિકાસકાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
– AANDHINEWS




