
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ₹૨૫ કરોડના હાઈપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કફિલ અહેમદ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક સાંજે આશરે ૦૪:૩૦ વાગ્યે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ વચ્ચે ઝપાઝપી થતાં પરિસ્થિતિ તંગ બની હતી. આરોપીને ભાગતો અટકાવવા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી.
ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા કફિલ અહેમદને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ નાટ્યાત્મક ઘટનાને પગલે પોલીસ કાફલામાં અફરાતફરી મચી ગઈ હતી. ₹૨૫ કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કફિલ અહેમદે કયા સંજોગોમાં ભાગવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગની સમગ્ર ઘટના કેવી રીતે બની, તે અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.




