માઈભક્તો માટે રેસ્ટ શેલ્ટર, ફ્રી ભોજન અને પાર્કિંગની વ્યાપક વ્યવસ્થા..

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ભાદરવી પૂનમના મહામેળામાં દેશ-વિદેશથી ઉમટતા લાખો શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પદયાત્રીઓના વિશ્રામ માટે કુલ ૧૨,૩૦૦ ચોરસ મીટરમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરાયા છે, જેમાં હડાદ રૂટ પરના ૫ શેલ્ટરમાં ૨,૭૭૬ ભક્તો માટે સિંગલ અને બંક બેડ તથા અન્ય શેલ્ટરમાં ૬૦૦ ફ્લોર બેડિંગ અને દાંતા રૂટ પર ૨ શેલ્ટરમાં ૧,૧૪૦ શ્રદ્ધાળુઓ આરામ કરી શકશે. આ ઉપરાંત ૨,૧૯૦ ચોરસ મીટર વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે, જેમાં દાંતા રૂટ પર ૨,૫૦૦ અને ગબ્બર રૂટ પર ૫૦૦ લોકોની ક્ષમતાવાળા ફૂડ ડોમ કાર્યરત રહેશે. સાથે જ યાત્રિકો માટે હડાદ રૂટ પર ૧૩ દાંતા રૂટ પર ૧૩ અને ગબ્બર રૂટ પર ૪ મળીને કુલ ૩૦ વોટર પેગોડા દ્વારા પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્વચ્છતા અને આરોગ્યને પ્રાધાન્ય આપતાં રેસ્ટ શેલ્ટર, હાઈવે અને પાર્કિંગ વિસ્તારોમાં બાથરૂમ, ડબલ્યુસી અને યુરિનલ્સ સુવિધા સાથેના ૩૩ ટોયલેટ બ્લોક્સ ઉપલબ્ધ કરાવાયા છે. વાહન વ્યવહારના નિયમન અર્થે હડાદ રૂટ પર ૧૭ અને દાંતા રૂટ પર ૨૧ મળી કુલ ૨,૬૭,૨૬૫ ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇમરજન્સી અને સ્વાસ્થ્ય સેવાઓ માટે ૬ ફર્સ્ટ એઇડ કાઉન્ટર તથા ૧૦ મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર ઊભા કરાયા છે. ભક્તોની સુરક્ષા અને માર્ગદર્શન માટે ૧૨૫ ફાયર એક્સ્ટિંગ્વિશર, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને ૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં સાઈનેજ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે; જ્યારે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા હેતુસર ૨૧૬ ક્રાફ્ટ સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
– AANDHINEWS




