હૂથી હુમલા વચ્ચે વધતો તણાવ અને ક્રૂડના ભાવમાં ઉછાળો..

યમનના હૂથી બળવાખોરો અને ઈરાન સમર્થિત જૂથો દ્વારા વધી રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ મેળવવા સાઉદી અરેબિયાએ ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઇજિપ્ત પાસે એર ડિફેન્સ સહાયની માંગણી કરી છે. સાઉદીના મુખ્ય હથિયાર સપ્લાયર અમેરિકા પાસે પણ ઇન્ટરસેપ્ટર મિસાઈલોની અછત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, હૂથીઓએ મારીબ પ્રાંતમાં સાઉદીનું F-15 ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કરીને તેનો વીડિયો પણ જાહેર કર્યો છે, જોકે સાઉદી ગઠબંધને હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, સાઉદી અરેબિયાએ હૂથી બળવાખોરો પર પવિત્ર શહેર મક્કા પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને સાઉદી એર ડિફેન્સે હવામાં જ નષ્ટ કરી દીધો છે. હૂથીઓએ આ આરોપને જૂઠો ગણાવ્યો છે. લાલ સમુદ્રના જહાજો અને સાઉદીના મહત્ત્વપૂર્ણ માળખાગત ક્ષેત્રો પર સતત થઈ રહેલા આ હુમલાઓને કારણે સાઉદીની એક મુખ્ય પાઇપલાઇન બંધ કરવાની ફરજ પડી છે, જેના સીધા પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ $100થી ઉપર પહોંચી ગઈ છે.
– AANDHINEWS




