૨૯૬ લોકોના મોત, ₹૩૨૧૨ કરોડથી વધુનું નુકસાન..

હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાના કારણે કુદરતે ભારે તારાજી સર્જી છે, જેમાં કુલ ૨૯૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુદરતી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જને કારણે ૧૧૯ લોકોના મોત થયા છે, જ્યારે ૧૭૭ લોકો માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. આ આફતમાં પ૫૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ૧૩૧ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થવાની સાથે ૫૦૨ મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યને અત્યાર સુધીમાં ૩૨૧૨.૨૧ કરોડ રૂપિયાનું મસમોટું આર્થિક નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ લોક નિર્માણ વિભાગને ૨૭૪૪.૬૭ કરોડ રૂપિયાનું ફટકો પડ્યો છે. હાલમાં મંડી અને કુલ્લુ સહિતના વિસ્તારોમાં ૫૯ રસ્તાઓ, ૧૧ પીવાના પાણીની યોજનાઓ અને ૨ વીજળીના ટ્રાન્સફોર્મર ખોરવાયેલા છે, જેનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૭ દિવસ પ્રદેશમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી.
– AANDHINEWS




