નિકોલ, મકરબા અને વેજલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ..

અમદાવાદ શહેરમાં ૧૪ મી સપ્ટેમ્બરે પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નિકોલમાં ગટર લાઈનો ઉભરાવાને કારણે સુવાશ, શાંતિવન, તક્ષશિલા, સુરમ્ય ફ્લેટ, સુવિધા, જયદીપ રો હાઉસ, શ્રીનાથ સાર્થક, મૌલિન રેસિડેન્સી અને વૃંદાવન સ્કાય સહિતની સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે. વરસાદી પાણી રસ્તાઓ ઓળંગી લોકોના ઘરો સુધી પહોંચી જતાં સ્થાનિકોનું રોજિંદુ જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. બીજી તરફ પશ્ચિમ અમદાવાદના મકરબા અને વેજલપુર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર અને રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના લીધે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત આસપાસના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં ઊભી થતી આ વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં AMC સમક્ષ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન લાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને રહીશોએ તાત્કાલિક પંપ મૂકી પાણીનો નિકાલ કરવાની તથા આ સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.
– AANDHINEWS




