૧૫ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી..

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યના ૨૦ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે સવારે ૬ થી બપોરે ૪ વાગ્યા દરમિયાન રાજ્યના ૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ સહિત પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, ડાંગ, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા પાલડી, વાસણા, બોડકદેવ, રાણીપ, નવાવાડજ, અખબારનગર, મકરબા, સરખેજ અને એસજી હાઇવે સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં વરસાદની રી-એન્ટ્રી થતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. છોટા ઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. મહીસાગરના લુણાવાડામાં વરસાદી ઝાપટું પડતાં છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનની ચિંતા વચ્ચે આ વરસાદ ખેડૂતો માટે જીવનદાન સમાન બનવાની આશા છે.
દરમિયાન હવામાન વિભાગે ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત ૨૦ થી વધુ જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી તંત્રને પણ સતર્ક રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
– AANDHINEWS




