મોલ, કાફે – રેસ્ટોરન્ટ સહિત દુકાનોને 24×7 ચાલુ રાખવાનો માર્ગ મોકળો.

ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-૨૦૨૬’ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાયો માટેની કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી આ વિધેયક લાવવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે ગૃહમાં વિધેયકની વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારાઓથી બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર થશે અને પરવાનગી મેળવવાની પ્રક્રિયામાં ભૌતિક સંપર્ક ઘટાડી ટેકનોલોજી આધારિત શાસનને પ્રોત્સાહન મળશે. વિધેયક હેઠળ પાંચ અલગ-અલગ કાયદાની ૧૨ કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે. શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ સંબંધિત જોગવાઈઓમાં હવે નિયમો અને શરતોને આધીન રહીને દુકાનો, મોલ, કાફે, રેસ્ટોરન્ટ સહિતની વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈપણ દિવસે ૨૪ કલાક એટલે કે 24×7 ચાલુ રાખી શકાશે. રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશનની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. ફાયર સેફ્ટીના ધોરણોને બિલ્ડિંગના પ્રકાર અને જોખમના આધારે બનાવવામાં આવતા હોવાથી બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ નું માળખું વધુ મજબૂત કરવામાં આવશે. વીજળી, જીઆઈડીસી, સહકારી અને સિંચાઈ સહિતના વધુ આઠ કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબોને સેલ્ફ – ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં ઝડપી રજિસ્ટ્રેશનની સુવિધા મળશે. સરકારી સેવા અથવા ફરિયાદનો નિયત સમયમર્યાદામાં નિકાલ નહીં થાય તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ ‘ઓટો-અપીલ’ માટે પહોંચશે. સરકારના જણાવ્યા મુજબ આ સુધારાઓથી રાજ્યમાં રોકાણ, વ્યવસાયિક પ્રવૃત્તિ અને રોજગારીની નવી તકોને વેગ મળશે.
– AANDHINEWS




