૧૫ શ્રમિકોનું રેસ્ક્યૂ, ૧૨ ઈજાગ્રસ્ત..

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી ‘બોસકી ધ એમ્પાયર’ નામની નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર બુધવારે રાત્રે સવા નવ વાગ્યાના સુમારે ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલતું હતું ત્યારે લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. સવાર સુધીમાં સાઈટ પર કામ કરી રહેલા તમામ ૧૫ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્ત થયેલા ૧૨ શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૩ શ્રમિકોને પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઘાયલ શ્રમિકોના જણાવ્યા અનુસાર, પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાક્ટરો આ નિર્માણ કાર્ય સાથે જોડાયેલા છે, જેઓ ઘટના સમયે સ્થળ પર હાજર નહોતા. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂર્ણ કરી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
– AANDHINEWS




