
AMC દ્વારા શહેરની માળખાકીય સુવિધાઓ અને મિલકતોની સચોટ માહિતી માટે રૂ. ૨૪૦ કરોડના ખર્ચે 3D સિટી મોડલ તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. ઈ-ગવર્નન્સ વિભાગના આયોજન મુજબ ૬૦૦ ચોરસ કિમી વિસ્તારમાં લાઈડર ટેક્નોલોજી અને ફોટોગ્રાફીના આધારે સર્વે કરી 2D તથા 3D સિટી મોડલ તૈયાર કરવામાં આવશે. શહેરના આશરે ૨૫૦૦ કિમી રસ્તાઓનું 360 ડિગ્રી સ્ટ્રીટ વ્યુ તૈયાર થશે, જ્યારે ૨૫ લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરીને દરેક મિલકતને ડિજિટલ ડોર ID આપવામાં આવશે. સર્વેની ચોકસાઈ માટે ૨૪૦ ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ અને GPS આધારિત એરિયલ સર્વેનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરની અંદર આવેલી પાણી, ગટર, ગેસ અને વીજળી સહિતની આશરે ૫૨૦૦ કિમી ભૂગર્ભ યુટિલિટી લાઈનોનો ડિજિટલ નકશો પણ તૈયાર કરવામાં આવશે. AMCની ટાઉન પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હેલ્થ અને સિટિઝન પોર્ટલ સહિત ૧૨ GIS આધારિત સિસ્ટમને આ ડેટા સાથે સંકલિત કરવામાં આવશે. સાથે જ પ્રોપર્ટી ટેક્સ, CCRS અને SCADA જેવી હાલની સિસ્ટમ સાથે જોડાણ કરી એસ્ટેટ વિભાગની મિલકતોના રજિસ્ટર તથા કાનૂની કબ્જાના દસ્તાવેજોના ડિજિટાઈઝેશનને પણ વેગ આપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અઢી વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, તૈયાર થયેલું ડિજિટલ સિટી મોડલ સ્થિર નહીં રહે, પરંતુ દર વર્ષે સેટેલાઈટ ઈમેજ અને મશીન લર્નિંગ આધારિત ચેન્જ ડિટેક્શન સિસ્ટમથી તેમાં નવા ફેરફારો અને બાંધકામની માહિતી અપડેટ કરવામાં આવશે. પરિણામે રિંગ રોડ આસપાસ વિકસતા નવા વિસ્તારો સહિત સમગ્ર અમદાવાદ શહેરનો વધુ સચોટ અને અદ્યતન ડિજિટલ ડેટાબેઝ AMC પાસે ઉપલબ્ધ રહેશે.
– AANDHINEWS




