
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે અજાણ્યા વન્યપ્રાણીએ આતંક મચાવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રે ૧૧ થી ૧૨ વાગ્યાના અરસામાં શરૂ થયેલો હુમલો વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. ઘરઆંગણે, રસ્તા પર તેમજ ઠાકોરવાસ અને રવેચીના મેદાન વિસ્તારમાં સૂતેલા લોકો પર પ્રાણીએ અચાનક હુમલા કર્યા હતા. મોં, ચહેરા અને જડબાના ભાગે બચકાં ભરતાં વૃદ્ધો સહિત ૧૫ થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ RFO રાજેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ વૌવા ગામે પહોંચી હતી અને પ્રાણીના પગલાંના નિશાન મેળવી તપાસ શરૂ કરી હતી. ગ્રામજનો હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે, જોકે વન વિભાગ દ્વારા તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. હાલ વન વિભાગે પ્રાણીને પાંજરે પૂરવા તેમજ તેની ચોક્કસ ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે.
– AANDHINEWS




