નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ લાપતા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે ૩૦૦ ભારતીય નાગરિકો સહિત ૫૦૦ થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં ચિંતા વધી છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું કે, પૂરથી ગણતરીના કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે અને સેંકડો પરિવારો ઘરવિહોણા બન્યા છે. પૂરગ્રસ્ત વિસ્તાર કૈલાશ માનસરોવર યાત્રાના પરંપરાગત માર્ગમાં આવે છે. સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં અનેક ભારતીય અને વિદેશી શ્રદ્ધાળુઓનો સંપર્ક થઈ શક્યો નથી. સરકાર વિવિધ દૂતાવાસોના સંકલનથી લાપતા નાગરિકોની શોધખોળ કરી રહી છે, તમિલનાડુથી ગયેલા ૫૭ પ્રવાસીઓમાંથી ૩૭ હજુ લાપતા છે, જ્યારે ૨૦ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના ૭૭ સભ્યો પણ લાપતા હોવાની માહિતી સામે આવી છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સેન્ટર પર હાજર આ લોકો અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી, જ્યારે અન્ય ૪૯૫ સભ્યો સુરક્ષિત પરત ફર્યા છે. નેપાળ સરકારે ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક ન થઈ રહ્યો હોવાની પુષ્ટિ કરી છે. નેપાળે ભારત દ્વારા તાત્કાલિક મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને માનવીય સહાય બદલ આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રીએ વૈશ્વિક સમુદાયને નેપાળની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે પોખરા અને માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પ્રવાસીઓ માટે સુરક્ષિત અને ખુલ્લા છે. ૨૦૧૫ ના ભૂકંપ બાદની જેમ નેપાળ આ આપત્તિમાંથી પણ ઝડપથી બહાર આવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
– AANDHINEWS




