
AI જનરેટેડ ફોટો..
વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સ વિરોધી કાર્યવાહી માટે ખાસ સૂચનાઓ આપવામાં આવ્યા બાદ શહેરમાં નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પોલીસની સક્રિય કાર્યવાહીને કારણે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વો અને બંધાણીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ દરમિયાન નવા યાર્ડ પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે નવા યાર્ડ વિસ્તારના રોશનનગરમાં રહેતા શાને મોહમ્મદ નબજુલખાન પઠાણને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે 10 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 6 હજારથી વધુની મુદ્દામાલ કબજે કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગાંજાનો જથ્થો ગોરવા વિસ્તારમાં રહેતા મુનાવર નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ માહિતીના આધારે પોલીસે મુનાવરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે લગભગ બે મહિના અગાઉ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સ વિરોધી કાર્યવાહી વધુ સઘન બનાવવા સૂચના આપી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ડ્રગ્સ સંબંધિત એક ડઝનથી વધુ કેસો નોંધાતા પોલીસની ઝુંબેશ વધુ અસરકારક બની હોવાનું સામે આવ્યું છે.




