
ભારતીય શેરબજારમાં 29 જુલાઈના રોજ મજબૂત શરૂઆત જોવા મળી છે. IT સેક્ટરમાં જોરદાર ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સવારે 9:45 વાગ્યે BSE સેન્સેક્સ 793.37 પોઇન્ટના વધારા સાથે 77,559.29 પર પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 223.90 પોઇન્ટ વધીને 24,209.25 પર કારોબાર કરી રહ્યો હતો.
શરૂઆતી કારોબારમાં બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. કુલ 2,079 શેરોમાં તેજી, 973 શેરોમાં ઘટાડો અને 163 શેરોમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નહોતો. પ્રથમ ત્રિમાસિક પરિણામો બાદ ગઈકાલે ભારે ઘટાડો અનુભવેલા હિન્દુસ્તાન યુનિલીવર (HUL)ના શેરમાં આજે લગભગ 2 ટકાનો સુધારો નોંધાયો હતો. HSBCએ HULને ‘Buy’ રેટિંગ સાથે ₹2,450નો ટાર્ગેટ પ્રાઇસ આપતાં રોકાણકારોમાં પણ સકારાત્મક ભાવના જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો હોવા છતાં ભારતીય બજારે મજબૂત સ્થિતિ જાળવી રાખી હતી. એશિયન બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય IT શેરોમાં આવેલી મજબૂત લેવાલીએ સ્થાનિક શેરબજારને તેજીની દિશામાં આગળ ધપાવ્યું છે.




