
ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલા ૪૮ કિલો વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ચાનૂએ સ્નેચમાં ૮૫ કિલો અને ક્લીન એન્ડ જર્કમાં ૧૦૫ કિલો એમ કુલ ૧૯૦ કિલો વજન ઊંચકીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ વિજય સાથે મીરાબાઈ ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલાં તેમણે વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૨ ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની આ સિદ્ધિ ભારતીય વેટલિફ્ટિંગના ઈતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય તરીકે નોંધાઈ છે.સ્નેચમાં રચ્યો નવો ગેમ્સ રેકોર્ડમીરાબાઈ ચાનૂ માટે સ્નેચ સ્પર્ધાની શરૂઆત સરળ રહી નહોતી. પ્રથમ પ્રયાસમાં તેઓ ૮૨ કિલો વજન ઊંચકવામાં નિષ્ફળ રહ્યાં હતા. જોકે, બીજા પ્રયાસમાં તેમણે સફળતાપૂર્વક ૮૨ કિલો વજન ઊંચકીને ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં ચાનૂએ ૮૫ કિલો વજન ઊંચકીને પોતાનો જ રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્નેચ વિભાગમાં ૮૫ કિલો વજન ઊંચકનાર તેઓ પ્રથમ મહિલા વેટલિફ્ટર બન્યાં છે.ભારત માટે ગૌરવની ક્ષણમીરાબાઈ ચાનૂના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સતત ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની તેમની સિદ્ધિ ભારતીય ખેલજગત માટે પ્રેરણાદાયી બની છે. રમતગમત જગત તેમજ દેશભરમાંથી તેમને અભિનંદનની વર્ષા થઈ રહી છે.




