‘ઘાણીવાળા ટ્રેડર્સ’ પર પોલીસના દરોડા..

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી ‘ઘાણીવાળા ટ્રેડર્સ’ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ખાદ્ય તેલ વેચવાના કૌભાંડનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાનગી કંપનીના પ્રતિનિધિ ભુષણ દાણીને મળેલી બાતમીના આધારે ૧૨મી સપ્ટેમ્બરના રોજ પોલીસે દરોડો પાડીને દુકાનમાંથી આરોપી અમિત કુશવાહને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના બોગસ લેબલ, બારકોડ અને સીલ મારેલા કપાસિયા તેલના કુલ ૪૪ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹૧,૨૫,૪૦૦ થાય છે.પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે ભંગારમાંથી તેલના ખાલી ડબ્બા ખરીદીને તેમાં અન્ય કંપનીઓનું સસ્તું તેલ ભરી દેતો હતો. ત્યારબાદ તેના પર જાણીતી કંપનીના ડુપ્લિકેટ સીલ અને બૂચ લગાવીને અસલી ભાવે વેચી ગ્રાહકો તથા કંપની સાથે છેતરપિંડી આચરતો હતો. આ મામલે રખિયાલ પોલીસે આરોપી અમિત કુશવાહ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
– AANDHINEWS




