ભારતની અધ્યક્ષતા માટે બીજી મોટી કસોટી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને BRICS દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર વધારવાના મુદ્દે છે.

BRICS શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહેલું ભારત સભ્ય દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સર્વસંમતિ સાધીને સંમેલનના અંતે એક સંયુક્ત નિવેદન જાહેર કરાવવા માટે સક્રિય કૂટનીતિક પ્રયાસ કરી રહ્યું છે. ભારત માટે પડકાર એ છે કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ જેવા સંવેદનશીલ મુદ્દે ઈરાન અમેરિકા અને ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીની નિંદા માટે BRICSનું સમર્થન માગી શકે છે. બીજી તરફ, ભારત ઈચ્છે છે કે, BRICSને અમેરિકા કે પશ્ચિમ વિરોધી મંચ તરીકે રજૂ કરવામાં ન આવે. તેથી નવી દિલ્હી એવી સંતુલિત ભાષા પર ભાર મૂકી રહ્યું છે, જેમાં સભ્ય દેશોની ચિંતાઓ વ્યક્ત થાય પરંતુ કોઈ એક દેશ વિરુદ્ધ સીધો રાજકીય અથવા કૂટનીતિક સંદેશ ન જાય. આ રીતે ભારત પોતાની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ જાળવીને વિવિધ પક્ષો વચ્ચે સંવાદ અને સહમતીનો માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારત એક તરફ BRICSની આર્થિક સહકારની પ્રક્રિયાને આગળ વધારવા માગે છે, તો બીજી તરફ તે એવી કોઈ પહેલથી બચવા ઈચ્છે છે જેને સીધી રીતે અમેરિકી ડોલર અથવા અમેરિકાવિરોધી અભિયાન તરીકે જોવામાં આવે. એટલે ભારતની મુખ્ય ભૂમિકા BRICSના વિસ્તરતા એજન્ડા અને સભ્ય દેશોના અલગ-અલગ હિતો વચ્ચે સંતુલન સાધવાની રહેશે. જો કોઈ મુદ્દે સર્વસંમતિ ન બને તો ભારત સંયુક્ત નિવેદનના બદલે ‘ચેર સમરી’ દ્વારા બેઠકના મુખ્ય મુદ્દાઓ અને ચર્ચાને રજૂ કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. આમ, ભારત માટે આ સંમેલન માત્ર BRICSની અધ્યક્ષતા નહીં, પરંતુ વૈશ્વિક શક્તિઓ વચ્ચે પોતાની સંતુલિત અને સ્વતંત્ર કૂટનીતિક ભૂમિકા દર્શાવવાની મહત્વપૂર્ણ તક પણ છે.
– AANDHINEWS




