
દેશભરમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો અને રહેણાંક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે દિલ્હી, પટણા, લખનઉ સહિતના શહેરોમાં આવા તમામ કેસોની યુદ્ધના ધોરણે તપાસ કરીને સીલિંગ અને કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આગ જેવી જીવલેણ દુર્ઘટનાઓમાં ગેરકાયદે બાંધકામો અને નિયમોના ઉલ્લંઘનને ગંભીર કારણ ગણાવતા કોર્ટે સ્થાનિક સત્તાધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા કડક સૂચના આપી છે. દિલ્હીમાં લાજપતનગર અને સરોજિની નગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે MCD અને NDMCની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ પટણામાં થયેલા સર્વેમાં 26,746 રહેણાંક મિલકતોનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. લખનઉ વિકાસ મંડળ (LDA)ને પણ સમગ્ર શહેરમાં સર્વે પૂર્ણ કરીને નિયમો વિરુદ્ધના બાંધકામો સામે ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ દેશભરના અનેક શહેરોમાં ગેરકાયદે બાંધકામો અને નિયમોનો ભંગ કરીને ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે મોટા પાયે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રોને કાયદાનું કડક પાલન કરાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
-AANDHINEWS




