
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદના ગોધરા રોડ પર આવેલા મુવાલિયા ચાર રસ્તા વિસ્તારમાં રવિવારે પથ્થરમારાની ઘટના બની હતી. ડીજેના મુદ્દે પોલીસ અને કેટલાક લોકો વચ્ચે ચર્ચા દરમિયાન અચાનક પથ્થરમારો થતાં પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઘટનામાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, આદિવાસી સમાજની મંજૂરીપ્રાપ્ત સાંસ્કૃતિક રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી. દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને અન્ય લોકોએ ખાનગી વાહનો તથા ડીજે સાથે મુવાલિયા ક્રોસિંગ પાસે રસ્તો રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સ અને સરકારી બસો પણ ફસાઈ ગઈ હતી.પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાના મોબાઇલ, બોડી-વોર્ન કેમેરા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.




